શ્રી લક્ષ્મીનારાયણ કેન્દ્રસ્થાન અને સંસ્કારધામ



કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં બે સદી પહેલા ધર્મ જાગૃતિની જ્યોતને જલતી કરનાર નેત્રાના પુ. કેશરાબાપા સાંખલાને આપણે ક્યારેય ભૂલી શકીએ તેમ નથી. શ્રી કેશરાબાપા મુખી એ સમયમાં ધર્મ જાગૃતિ માટે જઝુમવું પડ્યું હતું. ગઈ સદીમાં ધર્મ સુધારણાનો શંખનાદ કરીને સૌને જગાડનાર પુ. નારાણજી બાપા લીંબાણીનેતો એથીયે મોટા પડકારોનો સામનો કરવો પડ્યો હતો. તેમ છતાં ધર્મવીરો પોતાના ધ્યેયમાંથી ડગ્યા નહી. પછીથી તો રતનશી ખીમજી અને નથુભાઈ નાનજી જેવા આગેવાનો પણ ધર્મ જાગૃતિની જેહાદમાં જોડાયા. તેમના એ ધર્મ જાગૃતિના અભિયાનને સંતશ્રી લાલરામજી અને સંતશ્રી ઓધવરામજી મહારાજના માર્ગદર્શન, પ્રેરણા અને આશીર્વાદ મળ્યા અને ગામેગામ ઇષ્ટદેવ શ્રી લક્ષ્મીનારાયણનાં મંદિરોના નિર્માણ થયા.

આજે કચ્છ કડવા પાટીદાર જ્ઞાતિમાં ધર્મ ક્ષેત્રમાં જે પરીવર્તન અને જે જાગૃતિ જોવા મળે છે તે સમાજના આદ્ય સુધારકો અને સંતોના પ્રચંડ પુરુષાર્થ નું જ પરિણામ છે. એક દીવામાંથી બીજો દીવો પ્રગટે તેમ કચ્છનાં ગામેગામ ધર્મની જ્યોત તો પ્રગટી પણ તેમાં સતત દિવેલ પુરાતું રહે એવું કેન્દ્ર ઉભું થઇ ન શક્યું. દરેક મંદિરોને એકબીજા સાથી જોડી રાખે અને સૌને એકજ તાંતણે બાંધી શકે એવા કેન્દ્રસ્થાન ની જરૂર તો એ વડીલોને પણ સમજાઈ હતી, પણ કોઈ સંજોગોવસાત શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોનું કેન્દ્ર સ્થાન ઉભું થઇ શક્યું નહીં.

આપણા સંતો અને વડીલોએ જલતી કરેલી ધર્મ જાગૃતિ ની મશાલને પ્રજ્વલિત રાખવી અને તેમનું અધૂરું કાર્ય પૂર્ણ કરવું અને દરેક મંદિરોને જેમાંથી પ્રેરણા અને પથ દર્શન મળી રહે અને બધા મંદિરોમાં પૂજા પદ્ધતિ, સ્તુતિ, પ્રાર્થના વગેરે બાબતે એકસુત્રતા લાવી શકાય એ માટે કેન્દ્ર સ્થાન ઉભું કરવાના સંકલ્પ સાથે ૧૯૯૬મા શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજે ધર્મ પ્રચાર સમિતિની રચના કરવામાં આવી અને મહાસુદ ૧૫ (પૂનમ) ના હજારો ભાવિક્જનોની ઉપસ્થિતિમાં સંત શ્રી શાંતિદાસજી મહારાજના સાનીધ્યમાં કુળદેવી માં ઉમિયાના પ્રાંગણ વાંઢાય થી પુ. નારાણજી બાપાની જન્મભૂમી વિરાણી સુધીની ભવ્ય ધર્મયાત્રા કાઢવામાં આવી. કચ્છના ગામેગામથી ઉમટી પડેલા ૨૫,૦૦૦ જેટલા ધર્મપ્રેમી ભાઈ બહેનોની હાજરીમાં ધર્મ પ્રચાર સમિતિના પ્રથમ પ્રમુખ શ્રી પ્રેમજીભાઈ પુંજા વાસાણીએ શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોનું કેન્દ્ર સ્થાન સ્થાપવાનું આપણા વતી સંકલ્પ કર્યો હતો.

કેન્દ્ર સ્થાન ઉભું થાય તે અગાઉ ગામના મંદિરો ધાર્મિક ચેતનાથી ધમધમતા થાય, ગાજતા અને ગુંજતા થાય એ જરૂરી હતું. એ માટે ધર્મનું મહત્વ સમજાવતી સમિતિએ જણાવ્યું કે લોકોને ધાર્મિક, જ્ઞાનની પ્યાસ છે. એ પ્યાસ ત્યારે જ બુજાય કે જો તેમને ધાર્મિક વિચારો થોડા થોડા સમય પર મળતા રહે અને એતો કેન્દ્ર સ્થાન બને તો જ શક્ય બને તેમ હતું.

ધર્મ પ્રચાર સમિતિએ ઉમિયા માતાજી સંસ્થાન, વાંઢાયમાં કાર્યાલય રાખીને ધર્મ જાગૃતિની જ્યોત જલતી રાખી. પ્રાર્થના પુસ્તિકા અને ઓડિયો કેસેટ ભાવવંદના મંદિરે પહોંચતી કરી અને મોટા ભાગના મંદિરોમાં એકજ પ્રાર્થના અને આરતી બોલાતા થયા. કેટલાક મંદિરોમાં નિયમિત સત્સંગ પણ શરુ થયા અને એ માટે પણ સમિતિએ ચોપાનિયા અને પુસ્તક પ્રકાશિત કર્યા. સંતો અને વિદ્વાનોને સાથે રાખીને કચ્છ બહાર ધર્મ સભાઓ યોજવાનું પણ સાત વર્ષથી સતત ચાલુ રાખ્યું. તેની સાથે સાથે ગામે ગામના પ્રતિનિધિઓ અને આગેવાનોની સમય સમય પર મીટીંગો પણ યોજાતિ રહી. આ બધી મીટીંગોમાં સૌ આગેવાનો એકજ વાત પર ભાર મુકતા હતા કે ધર્મ જાગૃતિના આ કાર્યને વેગવંતુ બનાવવા અને ભાવી પેઢીમાં ધાર્મિક સંસ્કારોનું સિંચન કરવા વહેલામાં વહેલી તકે શ્રી લક્ષ્મીનારાયણના મંદિરોનું કેન્દ્ર સ્થાન બનવું જ જોઈએ.

ગામેગામના આગેવાનોની કેન્દ્ર સ્થાન બનાવવાની માંગણી તો હતી જ, પણ સાથે સાથે એવી પણ લાગણી હતી કે આપણી કુળદેવી માં ઉમિયા જ્યાં બિરાજમાન છે એ તીર્થધામ અને જ્યાંથી આપણને ધર્મ જાગૃતિની પ્રેરણા મળી છે એ સંતોની તપોભુમી વાંઢાયની નજીક જ આ કેન્દ્ર સ્થાન હોવું જોઈએ.

લોક લાગણીને માન આપીને શ્રી લક્ષ્મીનારાયણ ધર્મ પ્રચાર સમિતિએ વાંઢાય નજીક જ દેશલપર ગામ પાસે હાઇવે પર ૨૫ (પચ્ચીસ) એકર જમીન સંપાદિત કરી અને એ જમીનને સમતલ કરવા જોમથી કારસેવા આપવા લોકોએ સારો એવો ઉત્સાહ પણ બતાવ્યો હતો.

તા. ૩-૧-૨૦૦૪ ના ઉમીયા માતાજી સંસ્થાન, વાંઢાય ખાતે કચ્છના તમામ ગામના હોદેદારો અને આગેવાનો ની એક મીટીંગ યોજાઈ હતી. જેમાં ૧૦૩ ગામોના ૫૦૦૦ જેટલા આગેવાનો ઉપસ્થિત હતા. આ મિટિંગમાં જે ચર્ચા વિચારણા કરવામાં આવી તેનો સુર એવો હતો કે કેન્દ્ર સ્થાનમાં ઇષ્ટ દેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણનું મંદિરતો બાંધવામાં આવે પણ તેની સાથે સાથે બાળકોને શિક્ષણની સાથે ધાર્મિક સંસ્કારો મળે એવું સંસ્કાર ધામ પણ ઉભું થવું જોઈએ. આ સંસ્કારધામો માં કાર્યક્રમો યોજાતા રહે. મંદિરોના માર્ગ દર્શક પુસ્તકો અને સાહિત્ય પણ પ્રકાશિત કરવામાં આવે. આ બધી પ્રવૃતિઓ માટે પણ મંદિરની સાથે સાથે જરૂરી સુવિધા ઉભી કરવી જોઈએ.

શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને સંસ્કારધામનું નિર્માણ કરવા માટે ભંડોળ ઉભું કરવા અંગે વિગતવાર ચર્ચા થઇ હતી. સૌનો એવો મત હતો કે આ ભગીરથ કાર્યને પાર પાડવા ખમતીધર દાતાઓ તો મોટા દાન આપશે જ, પરંતુ આ કેન્દ્ર સ્થાન આપણા સૌના ઇષ્ટ દેવનું છે અને શ્રી લક્ષ્મીનારાયણને માનનાર સૌ કોઈ નું તે શ્રદ્ધાનું કેન્દ્ર છે, એટલે કે નાનામાં નાના માણસને પણ આ કાર્યમાં પોતાનું યોગદાન આપવાની ભાવના જાગે એ સ્વાભાવિક છે. ઓછામાં ઓછી એવી રકમ નક્કી કરવી જોઈએ જે સાવ સામાન્ય સ્થિતિનો વ્યક્તિ પણ આપી શકે. આ મિટિંગમાં ઉપસ્થિત દરેક ગામના આગેવાનોનું આ બાબતે મત લેવામાં આવ્યો દરેકે પોતાના ગામના વિચારો રજુ કર્યા. કોઈએ જીવ દીઠ રૂ. ૨૦૦/- લેવા જોઈએ તેમ જણાવ્યું તો કેટલાકે રૂ. ૧૫૦/- લેવા જોઈએ તેવું કહ્યું, તો ઘણા ભાઈઓએ વ્યક્તિ દીઠ રૂ. ૧૦૦/- લેવા એવો મત વ્યક્ત કર્યો.

ચર્ચાને અંતે શ્રી લક્ષ્મીનારાયણને માનનારા કુટુંબો પાસેથી જીવ દીઠ રૂ. ૧૦૦/- લેવા એવું સર્વ સંમતી થી નક્કી કરવામાં આવ્યું હતું. દરેક ગામના સમાજ તેમના કચ્છમાં તેમજ કચ્છ બહારના વસતા સભ્યો પાસેથી દાનની રકમ એકત્ર કરીને આગામી શ્રાવણ માસ સુધીમાં કેન્દ્ર સ્થાન માં જમા કરાવે અને ગામના નબળા કુટુંબ હોય કે તેઓ આ રકમ પણ આપી ન શકે તો તે અંગેનો નિર્ણય સ્થાનિક સમાજ પર છોડવામાં આવ્યું છે. આ કોઈ મુંડિયાવેરો નથી, તે દર વર્ષે ઉઘરાવવામાં આવશે નહી. આ તો અંશ દાન છે, જે દરેકે એક વખત આપવાનું છે. જેથી દરેક ને એમ લાગે કે મારું પણ તો કંઇક અંશ દાન છે. આ નિર્ણય પણ સૌએ સાથે મળી ને લીધો છે. જે ગામના બહાર વસતા આગેવાનો આ મિટિંગમાં ઉપસ્થિતિ ન હોતા તેમને સ્થાનિક સમાજે પત્રથી જાણતો કરી જ હશે.

અમને પ્રાપ્ત થયેલ માહિતી મુજબ કેટલાક ગામોમાં તો કેન્દ્રસ્થાન માટેનું દાન એકત્ર કરવા મિટિંગો પણ યોજાઈ ગઈ અને કેટલાક ગામોએ વ્યક્તિગત અંશ દાન એકઠું કરવાનું શરુ પણ કરી દીધું છે તે આનંદની વાત છે.

તા. ૧૪-૩-૨૦૦૪ ના ભૂમિપૂજન ના આયોજન માટે મળેલી મિટિંગમાં કેટલાક ગામોએ તેમના ગામમાં એકત્ર થયેલ દાન કેન્દ્રસ્થાનમાં જમા કરાવી દીધું છે. આ મિટિંગમાં કેન્દ્ર સ્થાનના ભૂમિપૂજનનો નિર્ણય કરવામાં આવ્યો અને એ મુજબ તા. ૨૭-૪-૨૦૦૪ ના કેન્દ્રસ્થાનની ભૂમિ પર નવકુંડી વિષ્ણુયોગ યોજાયા, જેમાં રૂ. ૫૧૦૦/- ની ભેટ આપી ૨૭ જોડાએ ભાગ લીધો અને બીજા દિવસે એટલે કે ૨૮-૪-૨૦૦૪ ના રૂ. ૩,૧૧,૧૧૧/- નો ચડાવો લઇ ને દેશલપરના શ્રી કાન્તાબેન કેશરા રામજીયાણી (મુંબઈ) અને શ્રી ગંગારામ શિવદાસ રામાણી (ભુજ) ના હસ્તે ભૂમિપૂજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે સંત શ્રી શાંતિદાસજી મહારાજ (વિરાણી મોટી), શ્રી કરશનદાસજી મહારાજ (વાંઢાય) અને રાજકોટના શ્રી પરમાનંદ સરસ્વતીજી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને અખિલ ભારતીય કચ્છ કડવા પાટીદાર સમાજના પ્રમુખશ્રી તેમજ ઉમિયા માતાજી ટ્રસ્ટ, વાંઢાય ના પ્રમુખ તેમજ હોદેદારો અને ટ્રસ્ટીઓએ પણ હાજરી આપી હતી.

સંતોના પગલે જે ભૂમિ પવિત્ર બની એ પાવન ભૂમિ પર ટુંક સમયમાં શ્રી લક્ષ્મીનારાયણ મંદિર અને સંસ્કારધામ નું ખાત મુહુર્ત (શીલાન્યાસ વિધિ) પણ થશે. આ પ્રસંગ ભવ્યાતિભવ્ય બનશે અને દેશ પરદેશથી વધુમાં વધુ ભાવિક જનો પધારે તેવું આયોજન ગોઠવવામાં આવશે.

આપ જાણો છો કે સાત વર્ષથી કાર્ય કરતી શ્રી લક્ષ્મીનારાયણ સનાતન ધર્મ પ્રચાર સમિતિને સ્થાને અખિલ ભારતીય શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજના નામે ટ્રસ્ટ બનાવી રજીસ્ટર્ડ કરવામાં આવ્યું છે.

આ ટ્રસ્ટના સભ્યો તરીકે ગામના શ્રી લક્ષ્મીનારાયણજીના મંદિરોને ગણવામાં આવશે અને મંદિરોનું સંચાલન કરતી સંસ્થા કે જે નિયુક્ત કરે એ પાંચ પ્રતિનિધિઓ ટ્રસ્ટના સભ્ય તરીકે હાજરી આપી શકશે અને આ ટ્રસ્ટના હોદેદારો કે ટ્રસ્ટી બની શકશે. મોટાભાગના ગામોના ૫ પ્રતિનિધિઓની નિયુક્તિના ફોર્મ ભરાઈને ટ્રસ્ટ પાસે પણ આવી ગયા છે. બધા ગામોના ફોર્મ મળી જતા ટુક સમયમાં ટ્રસ્ટના ટ્રસ્ટીઓ અને હોદેદારોની ચૂંટણી પણ કરવામાં આવશે. આમ, અખિલ ભારતીય શ્રી લક્ષ્મીનારાયણ સનાતન સમાજમાં દરેકે દરેક ગામોનું પૂરતું પ્રતિનિધિત્વ છે.

એક વાત આપણે સ્પષ્ટ રીતે સમજી લેવી જોઈએકે જીવનમાં ધર્મની લગામની જરૂરત છે અને જો જીવનમાંથી ધર્મની બાદબાકી થઇ જશે તો જીવન પશુતુલ્ય બની જશે. જો આપણે ઇચ્છતા હોઈએ કે નવી પેઢીને ધર્મના કેન્દ્ર સ્થાનની આવશ્યકતા આપણે સ્વીકારવી જ પડશે. જે વ્યક્તિ જે ધર્મમાં માનતો હોય તેનું જ્ઞાન મેળવવા પ્રયત્નશીલ રહે તેમાં ખોટું પણ શું છે ? આપણે આપણા આરાધ્ય દેવ ભગવાન શ્રી લક્ષ્મીનારાયણ મંદિરોનું કેન્દ્ર સ્થાન ઉભું કરવાનું જે નિર્ણય કર્યો છે તેના માટે આપણને ગર્વ હોવો જોઈએ. આ ભગવદ કાર્યમાં આપ સૌ ધર્મપ્રેમી ભાઈ-બહેનોનો સંપૂર્ણ સાથ અને સહકાર મળી રહે એવી અભ્યર્થના છે.